૧. શ્રી નવસારી પાર્શ્વનાથ ભગવાન, નવસારી : નવસારીના છો નાથ પારસ નામ તુજ ચિંતામણી, વરતા જનો કામિત કૃપાથી આપની સોહામણી; સારક તમે સેવક તણા વારક વિભાવોના સદા, રીજો પ્રભુ મુજ ઉપરે જેથી વરું શિવસંપદા…..
૨. શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે ઉમ્રવાડી પાર્શ્વ ! ખાસ પ્રભાતમાં પ્રાર્થું તને, શુભ સત્ય ઉમ્રજનક વિભો મુજ આત્મ જન્મ દીયો મને; વાતો કરી હરખાઉં તારી સાથ બસ એ યાચના, જેથી હું પામુ સત્વ છાંડું તત્વથી સુખ કાચના…..
૩. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે પાર્શ્વ ! સહસ્ત્રફણા સુશોભિત આપ ખડ્ગાસન ધણી, મૂરતિ અજાયબ વિશ્વમાં પરચાપ્રદા પારસમણી; જે ભક્ત નીરખે તાસ જીવને સર્વદા નંદનવની, જિમ કમઠ પ્રતિ કરૂણા કરી તિમ આપજો સંજીવની….
૪. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે પાર્શ્વ ! દુ:ખભંજન તમારું નામ સાર્થક જાણતો, તુજ ભક્તિથી સહુ દુ:ખ રહિત પળને હું પુણ્યે માણતો; તેથી પ્ર્ભાતેદોડી દોડી આવતો તુજ દર્શને, વાંદી વરું સુવિચાર સંધી આપના શુભ સ્પર્શને…..
૫. શ્રી સૂરજમંડણ પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે સુરજમંડન પાર્શ્વનામ સુહંકરું તુજ સર્વને, તુજ દર્શયોગે માણતાં સૌ ભક્ત જીવન પર્વને; આનંદ ને કલ્યાણકારી સંપદાપ્રદ આપની, નિષ્ઠા ધરી મેં નાથ પીડા ટાળજે ભવતાપની….
૬. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ ભગવાન, રાંદેર : હે સર્વ વિઘ્ન વિદારનારા વિઘ્નહર પારસ પ્રભો, રાંદેર તીરથે રાજતા વરદાનના દાતા વિભો; ઝંખી રહી મુજ ચેતના અબ હાથ મારો ઝાલજો, ભવનાં ભયાનક વિઘ્ન ટાળી શિવસદનમાં પાળજો…..
૭. શ્રી કલ્હારા પાર્શ્વનાથ ભગવાન, ભરૂચ : કલ્યાણકર કલ્હારનામા પાર્શ્વને પ્રણમી પ્રગે, જે ભક્ત નિજ કારજ કરે તે હોય વિખ્યાતા જગે; એવો પ્રચંડ પ્રભાવ તારો પામવા મન થનગને, સદ્યોગ પુણ્ય પ્રયોગપ્રદ સિદ્ધિ પમાડોને મને….
૮. શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન, ગંધાર : અમૃત ભરેલી આપ અખીયા જોવતાં અખીયા ઠરી, મીટ્યા બધાયે દોષ મારા આંખ ગુણદ્ર્ષ્ટિ વરી; જન્મ ભયો મુજ સફળ આજે, આપ દર્શ પ્રયોગથી, રાત્રી વીતી ઉગી ઉષા ગંધારભૂષણ યોગથી….
૯. શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ ભગવાન, ડભોઈ : દર્ભાવતીના નાથ હે પ્રગટ પ્રભાવી તુ જ્યો, ભાવઠ બધી ભવની નિવારક તુમ થકી દિલ ઉમહ્યો; વણજાર સર્વ વિકારની નાઠી પ્રભાવે તાહરા, તીર્થાધિરાજ હું તુમ કને માંગુ દીયો સુખ માહરા…..
૧૦. શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાન, ડભોઈ : હે પાર્શ્વ લોઢણ પ્રભુ તમે છો સર્વ સમયે જાગતાં, વાંછિત સુખો મન ધારી ભવિ સૌ આપ ભક્તે લાગતા; સાચા સનેહે આપ કેરા સર્વ સંપદ પાવતા, તેથી પ્રભો ! શિવ હેત સેવક આપના ગુણ ગાવતા…..
૧૧. શ્રી વિમલ પાર્શ્વનાથ ભગવાન, છાણી : છે પાર્શ્વ નિર્મલકાર સાચુ વિમલ નામ તુમારડુ, છાયાપુરીના સ્વામ શુદ્ધિ હેત તુજ પાયે પડુ; ભૂલ્યો કદીયે ના ભૂલે જ્યું બાળ નિજ મા-બાપને, યાદો સતાવે તુમ તણી તિમ ના ભૂલું કદીયે તને…..
૧૨. શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : હે પાર્શ્વ ! તુજ દર્શન તણી ઈચ્છા થકી પણ ભક્તને, માસક્ષમણનું ફળ મળે જિન ! તુજ પ્રભાવે રક્તને; છો પુણ્યગુણ સ્તંભિતકરા સ્તંભન તમારું નામ છે, મુજ આત્મગુણ વિકસાવવા બસ એક તારું કામ છે….
૧૩. શ્રી કંસારી પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : આત્મરિપુ અઘ કંસના વિઘ્નાપહારી આપથી, હે પાર્શ્વ કંસારી પ્રભો ! સાન્વર્થ અભિધોલ્લાપથી; ઘાતિ અઘાતિ સર્વ મુજ પાપો અનાદિના ટળે, હો ટેક તારી એક ઝટ જીવ આપને શિવમાં મળે……
૧૪. શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : ત્રિરત્નદાતા રત્નચિંતામણ અભિધા પાસનું, છે બિંબ અનુપમરૂપ હેતુ આત્મઘટ ઉજાસનું; મુજ નયનથી નિરખી તને હું નિર્વિકારી દશા ચહું, ખંભાત સ્વામ તને જુહારી પુણ્ય પ્રગતિ હું લહું……
૧૫. શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : ખંભાતમાં ઉદિત થયો શુભ ચંદ્ર દોષ નિવારકો, શ્રીકાર પારસ સોમ ચિંતામણ અભિધા સારકો; પદ્માવતી પરચા પૂરે પ્રભુ આપ સેવક લોકને, મેં પણ જુહાર્યો સ્નેહથી મહેરે મને અવલોકને…..
૧૬. શ્રી ભુવન પાર્શ્વનાથ ભગવાન, ખંભાત : હે ભુવન પારસનાથ ત્રિભુવનમા ગવાતા છો તમે, સમરે સદા જે નામ તારું તાસ આપદ ઉપશમે; નવ ખંડ ધારક આપ યોગ અખંડ સુખકારક સદા, ત્રંબાવતીના નાથ રહેજો મુજ હ્રદયમાં સર્વદા…..
૧૭. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન, ખેડા : ખેટકપુરે વાત્રક કિનારે તીરથ તારુ શોભતું, હે પાર્શ્વ ભીડભંજન પ્રભો ! ભક્તો તણું મન લોભતું; ભાંગે સદાયે ભીડ સઘળી નામ સાર્થક આપનું, ભવભીડહર મુજ હેત અબ ઝટ ખોલ શિવનું બારણું…..
૧૮. શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન, અમદાવાદ : શ્યામળ તમારું રૂપ પણ ઉજ્જવળ કરે સૌ દાસને, શ્યામળ તમારું નામ પણ પૂરણ કરે સૌ આશને; હે રાજનગરી પાર્શ્વ ! અબ પાવન કરો મુજ શ્વાસને, પૂજન કરું પૂરણ થવા હિયડે ધરી વિશ્વાસને…..
૧૯. શ્રી મુલેવા પાર્શ્વનાથ ભગવાન, અમદાવાદ : પરગટ પ્રભાવધરા પ્રભો વિનવું તને હું વળી વળી, મુજપે કરો કીરપા મુલેવા પાર્શ્વ જિનવર એટલી; છો કરણપંચક ગુણરૂપા હો કરણપંચક ગુણકરા, કર્ણાવતીના નાથ વંદન આપને કરું અઘહરા…..
૨૦. શ્રી હ્રિંકાર પાર્શ્વનાથ ભગવાન, અમદાવાદ : હ્રિંકારમાં ધરણેન્દ્ર પદ્માપૂજિત પાર્શ્વ મનોહરૂ, હ્રિંકારનામા નાથ બિંબ અનૂપ તુજ વિશ્વંભરૂ; છે શ્યામ કાંતિ આપની મહા મોહ વિષહર તું મણિ, જીવ જીવનકારક રાજનગરે સ્વામ તું સંજીવની……
૨૧. શ્રી સુખસાગર પાર્શ્વનાથ ભગવાન, અમદાવાદ : છો સુખતણા સાગર પ્રદાતા, નામ તુજ સુખસાગરૂ; સઘળાંય સુખ દેવા સહારો, બિંબ તુજ ઉજાગરૂ, સાર્થક તમારું નામ પારસ, પલક પણ વિસરાય ના; શોધ્યો જડે ના ખલકમાં, તો સમ સુખાકર છાય ના….
૨૨. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ ભગવાન, નરોડા : પદ્માવતી પરચા પૂરે, અહોનિશ તુજ ભકતો પ્રતિ; તેથી જ પદ્માવતી અભિધા પાર્શ્વ તુજને નતિ તતિ, નગરી નરોડા ભૂષણ ભાવઠ ભાંગ મારી ભવ તણી; મુજ રાગદ્વેષના દંદ હરણી, કર કૃપા ચિંતામણી….
૨૩. શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાન, ટીંટોઈ : દુ:ખદુરિય ખંડણ પાસ મુહરી, ઈમ કહી થુણતા ગણી; હે પાર્શ્વ ગૌતમ સ્વામ ગુંથે નામ જગચિંતામણી, દર્શન તમારું દોહિલુ, ના મહેર મહોર વિના મળે, તુજ દર્શની લહેરે ભવિકની આપદા સઘળી ટળે……
૨૪. શ્રી પોસીના પાર્શ્વનાથ ભગવાન, નાના પોશીના : ફરકે ધ્વજા આગાહી કરતી, તુજ શિખર પર સર્વદા; આવી રહ્યો યાત્રિક થઈને, સ્થિર તે કેહતી મુદા, ચમકાર તુજ ચાતક નજરથી દેખાવા સ્ફુર આવતા; પોસીન પારસનાથ જોતા નજર હર્ષ ના માવતા…..
૨૫. શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ ભગવાન, મોટા પોશીના : પોસીન મોટા તીરથનાયક, નામ તુજ લલચામણું; વિઘ્નાપહારી સર્વ વિઘ્ન, વિદારવા તુજ આગણું, હે પાર્શ્વ ! એક જ વિઘ્ન અપહારી કરમનું આપજો; મુજને સ્વભાવદશા સુખંકર, નામ સાર્થકતા ભજો…
૨૬. શ્રી સ્ફુલ્લિંગ પાર્શ્વનાથ ભગવાન, વિજાપુર : ગ્રહરોગ મારી દોષનાશક, સર્વ દુ:ખહારક તમે; સ્ફુલિંગ પારસનાથ તારા, નામથી આપદ શમે, વિદ્યાપુરે વિખ્યાત તીરથધામ સ્વામ કૃપા કરો; આગ્રહ અને સંગ્રહ તણી, વૃત્તિ નિવારી ભવ હરો……..
૨૭. શ્રી નાગફણા પાર્શ્વનાથ ભગવાન, વિહાર : નાગેન્દ્ર નિજ સગ ફેણધારી, શિર ઉપર સેવા કરે; હે પાર્શ્વ નાગફણા કૃપાથી, આપ શિવમેવા વરે, ભેટે ભવિક ભાવે તને, તુજ તીર્થધામ વિહારમાં; પ્રણમી કહુ મુજ સપ્તભય, નાશક દીયો મુક્તિ રમા…..
૨૮. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન, વીસનગર : કલિકાળમાં પણ આણ તુજ, કલ્યાણપદ જાવા ભલી; કલ્યાણ પારસનાથ મૂરત, આપની પુણ્યે મળી, હે વિસનગરના નાથ તુજ શ્વેતાંગ જોતા દિલ ઠરે; દુર્ધ્યાન ટાળી હ્રદય ધારા, ધર્મની નિશ્વે વરે….
૨૯. શ્રી મનોરંજન પાર્શ્વનાથ ભગવાન, મહેસાણા : હે નાથ ! મૂરત આપની, ભયભંજણી મનરંજણી; અધ્યાતમ શિખર પામવા, આરોહણી ભવગંજણી, શુભ સેતતિપામી પસાયે, આપ નૃપ આશા ફળી; વંદુ મનોરંજન સુનામ્, આપ ચરણે લળી લળી….
૩૦. શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાન, સિદ્ધપુર : હે નાથ ! સિધ્દદશા તણા, સૌ સુખ દેવા આપણી; સુલતાન પારસનાથ મૂરત, આપણી સોહામણી, સુરત્રાણ પણ સુલતાની તુજ, શ્રધ્ધા થકી નિશ્ચે વર્યો; હે સિદ્ધપુર તીર્થેશ યોગે, આપના હું નિસ્તર્યો…..
૩૧. શ્રી ડોસલા પાર્શ્વનાથ ભગવાન, ધોતા-સકલાણા : સૌ પાપ ધોતા નાથ સકલાણા ભૂમિમાં શોભતા; છો સંપ્રતિ નિર્મિત પ્રભો સૌ ભકતના મન લોભતા, ઉજવળ દશાકર મુખ તમારૂં સ્મિતભર્યુ સુસ્તી હરે; હે ડોસલાભિધ પાર્શ્વ યોગે, આપના દિલડું ઠરે…..
૩૨. શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ ભગવાન, પાલનપુર : પાલ્હણપુરેશ જિનેશ છો જયકાર પ્રહલાદન પ્રભુ, આલ્હાદ પામ્યો નાથ નિરખી, આપની શોભા વિભુ, અક્ષત મુડા શત પંચ અહોનિશ, ભાવથી ભક્તો ધરે; અહો પાર્શ્વ પરચો આપનો, જાણી હ્રદય વિસ્મય વરે..
૩૩. શ્રી ભીલડીયા પાર્શ્વનાથ ભગવાન, ભીલડીયાજી : શ્રી તીર્થભીલડી નાથ પારસ, નામ ભીલડીયા મળ્યા; મહા પુણ્યનાં પરગટ પ્રભાવે, આંગણે સુરદ્રુમ ફળ્યા, નાની છંતા લ્હાણી કરે, મહા ભાગ્યની સહુ ભવ્યને; મૂરત મહોધ્યકાર ભાળી, આજ હૈયુ થનગને….
૩૪. શ્રી આનંદા પાર્શ્વનાથ ભગવાન, ઉંબરી : આનંદના દાતાર પામી, પાર્શ્વ આનંદા તને; હે ઉંબરી ભૂષણ પ્રતિ તો, વાત કરવા થનગને, ભક્તિ ભરેલું હિયડું મારું, નાથ જ્ઞાને નિહાળીને; કીરપા કરી ભવથી ઉગારો, હાથ મારો ઝાલીને…..
૩૫. શ્રી ચારૂપ પાર્શ્વનાથ ભગવાન, ચારૂપ : આષાઢી શ્રાવક ભાવથી, પડિમા ભરાવે આપની; ને પ્રાણ પૂરતો ભક્તિ કરતો, પીડ હરે ભવતાપની, તે નાથ ચિદ્રુપતા પ્રદાતા, પાર્શ્વ ચારૂપ વંદતા; ચિત્તે વરી ચમકાર યોગે, ભક્ત સહું આનંદતા…….
૩૬. શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : પંચાસરા પારસ પ્રણમતા, પુણ્યથી ધરી નેહને; ચાતક સમુ મુજ ચિત્ત ઝંખે આપ કીરપા મેહને, સહજાત્મ સુખને પામવા, અહોનિશ રહું તુજ ધ્યાનમાં, રાગે તમારા સંગ છોડ, ભવ તણો વરૂં શિવરમાં….
૩૭. શ્રી કોકા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : કોકાભિધયક પાર્શ્વ પૂજા, આપની ઉદયંકરી; પ્રહરે બીજે શંખેશ પારસ, યોગની સિદ્ધિ કરી, સંતાપ ટાળ્યો નાથ કોકા, શેઠને સમણે કહી; તિમહી નિવારો પાર્શ્વ મારા, પાપ સૌ દોષો દહી…..
૩૮. શ્રી કંકણ પાર્શ્વનાથ ભગવાન, પાટણ : વીંછુ તણા વિષને વિદારી, વિશ્વનાં વાંછિતકરા; હે વિચ્છુલાભિધ પાર્શ્વ છો, જીવના જીવન વિઘનો હરા, વિષયતણા વિષને નિવારી, નાથ નિર્વિષયી કરો; હે પાર્શ્વ કંકણ દાસના, વિશ્વાસને હ્રદયે ધરો…..
૩૯. શ્રી મહાદેવા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : મમતા પ્રભો મહાદેવ પારસ, આપની મનમાં વસી; જગમાં તું મોટો દેવ પામી, ચેતના મુજ ઉલ્લસી, હે પાર્શ્વ ! તારી ભક્તિ કરતાં, રંક પણ રાજા બને; હું પણ ચહું શિવસંપદા, સેવા કરી તારી કને…..
૪૦. શ્રી કંબોઈયા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : કંખે હ્રદય પ્રભુ માહરૂં, હે પાર્શ્વ ! તવ ચરણે ઝૂકી; બોધિ દીયો જેથી બને, ભવની સ્થિતિ મારી ટૂંકી, ઈશ્વર તને ભજતાં તજું, નશ્વર સુખો ભવત્રાસના, યાહોમ કરી કંબોઈયા, યોગે હણુ ભવ વાસના……
૪૧. શ્રી ધિંગડમલ્લ પાર્શ્વનાથ ભગવાન, પાટણ : ધિંગાણું કરતા મોહને, માર્યો તમે ક્ષણવારમાં, ગઢ તે જીત્યો શિવનો પ્રભો, પારસ તમારા પ્યારમાં, હું પણ બનીને મલ્લ ટાળું, મોહને નિશ્ચય કરી, હે પાર્શ્વ ધિંગડમલ્લ દ્યો, બળ એટલું સહેજે જરી….
૪૨. શ્રી વાડી પાર્શ્વનાથ ભગવાન, પાટણ : ચૌમુખ મંદિર ચિહું દિશે, શ્રી પાર્શ્વ વાડી શોભતા; સૌ ગુણ કુસુમની વાટિકા, ગુણ હેત મનને લોભતા, છો જન્મના વૈરી, ઝવેરીવાડ પાટણ મંડના, વામેય વાડી ! મુજ વિદારો, જનુમરણ વિડંબના……
૪૩. શ્રી નારંગા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : હે નાથ ! હસતું મુખ તમારું, નિરખતા મુજ પીડ હટે, છો સાથ અક્ષયપદ પ્રદાતા, તુજ થકી મુજ ભવ કટે, હે દેવ ! રાજ્ય વિશાળ તારું, શિવનગરનું આપજે, નારંગ પારસનાથ મુજને, નિજ હ્રદયમાં સ્થાપજે…..
૪૪. શ્રી ટાંકલા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : ચારુ તમારું રૂપ પારસ, ટાંકલા મુજને ગમે, રૂપી સ્વરૂપ તમારૂં જોતા, નિજ સ્વરૂપમાં મના રમે, તો ચરણકમળે પલપલે, હું દુ:ખ ને દોષો દળું, જીવન બનાવી તુજ ચરણયોગે તને શિવમાં મળું……
૪૫. શ્રી ચંપા પાર્શ્વનાથ ભગવાન, પાટણ : વણકર પ્રતોલી મધ્યમાં શ્રીપત્તને સુરવૃક્ષશ્યા, ચંપક તણા સુમને પૂજાતા, પાર્શ્વ ચંપા મન વસ્યા, ચંપક શીતલ – પંચોપચારી, પૂજના પાતિક હરે, શ્રી પાર્શ્વ ચંપા વંદના કરતા બધા કારજ સરે…..
૪૬. શ્રી ગંભીરા પાર્શ્વનાથ ભગવાન, ગાંભુ : અરચા કરી રોજે રૂપૈયો, તવ પૂજારી પામતો, તો હુંફથી વટ ધારતો, ગંભીર રહી સુખ ભાળતો, નિજ ભક્તની ભીડ – ભંજના હૈ પાર્શ્વ ગંભીરા વિભો, વાંદી વદુ ગાંભીર્ય દો, મુજને જરી ગાંભુ પ્રભો…..
૪૭. શ્રી ભટેવા પાર્શ્વનાથ ભગવાન, ચાણસ્મા : ભાવે ભટેવો આજ ભેટ્યો, નગર ચાણસમાવનિ, લ્હાવો લીધો જીવન તણો, પુણ્યાઈ મુજ વાધી ઘણી, પદપહ્મ પ્રેમ – ભુવનભાનુ, દિક્ખ – શિક્ષાને વરી, પાર્શ્વેશ પેખ્યો ભવ કિનારો, સેવ તારી આદરી……
૪૮. શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન, કંબોઈ : મનમોહન મૂરત તમારી, નામ મનમોહન ધરા, કંબોઈ તીર્થપતિ પ્રભાવી, પાર્શ્વજિન ! દેજો વરા, ઉલટ ધરી વાંદ્યો તને, ઉલટું કરો મન માહરૂં, નમતો રહુ અવિરત તને, નિજ આત્મહિતને આદરૂં….
૪૯. શ્રી જોટીંગડા પાર્શ્વનાથ ભગવાન, મુંજપુર : હે મુંજપુર માલિક કરોને, દ્રષ્ટિ મુજ ઉપર અમી, ઝોટીંગ પારસનાથ ! જેથી જાય મુજ પાપો શમી, ધ્યાને ધરી તુજને પ્રભો ! બનવું હવે ઇંદ્રિયદમી, સૌ કર્મની કરૂં નિર્જરા, બસ આપના ચરણે રમી……
૫૦. શ્રી શંખલા પાર્શ્વનાથ ભગવાન, શંખલપુર : સૌ સૌખ્યની શુભ શૃંખલા, સરજાય જાસ પ્રભાવથી, તે પાર્શ્વ શંખલપુરપતિ, પ્રણમો પ્રગે સૌ ભાવથી, દીપક તણી જ્યોતી વિષે મુજ, સર્વ પાપ પ્રજાળતી, પરમા પ્રતાપી આપ મૂરત, દિવ્ય દ્રષ્ટિ આલતી……
૫૧. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શંખેશ્વર : પ્રણિધાનથી અઠ્ઠમ કરી, પ્રભુ નેમિવયણે શ્રી હરિ, પદ્મા થકી પામી તને ટાળ્યા વિઘન ને સૌ અરિ, નિજ શંખ ફુંકીને સુહાયા, મહીતલે ઈશ્વરપદે, તિમ પાર્શ્વ શંખેશ્વર મને પણ, સ્થાપજે ઝટ શિવપદે…..
૫૨. શ્રી ગાડલીયા પાર્શ્વનાથ ભગવાન, માંડલ : માંજે અવિરત મોહને વળી, આંખને આંજી રહી, ડગલું ભરે જે તો પ્રતિ, તસ ભાગ્યની સીમા નહિ, લગની વરે સૌ મૂરત યોગે, આપની શિવની સહી, માંડલપતિ હૈ પાર્શ્વ ગાડલીયા પધારો ઉર મહીં…..
૫૩. શ્રી શેરીસા પાર્શ્વનાથ ભગવાન, શેરીસા : શેરી બની તવ ન્હવણ નીર પૂરે ભરાણી સાંકડી, તબ તીર્થ ભોમ બની વિભાજી, શેરીષાભિધ ને કડી, એવો અજબ ઇતિહાસ તારો, સાંભળી મન ઉમહ્યું, શેરીષ પારસ ભેટી તુજને, આજ મેં સમકીત લહ્યું…..
૫૪. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન, ધોળકા : કલિકાળમાં કલિમલ નિવારક, કુંડશ્યા કીરતાર હૈ, કલિકુંડ પારસ ! આપ દર્શન દ્રષ્ટિ મુજ અહોનિશ ચહે, તારા દરસથી દિવસ જાવે, નિજવશી પ્રભુ સર્વદા, વિશ્વેશ ! ભેટી, ભાવથી પાયો, હું સમકીત સંપદા…..
૫૫. શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાન, ઘોઘા : દુર્જન થકી નવ અંગ થાતા લપનશ્રી સંયોજતી, સુરવચનથી ભક્તિ પ્રતાપી, મૂરત તો પાડિબોહતી, નવખંડયુત તુજ અંગ જોતા પાપ રોતા ભવ્યના, નવખંડ ઘોઘા પાર્શ્વ સેવા દે સુખો શિવ – દેવના…..
૫૬. શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન, અજાહરાતીર્થ : તુજ ન્હવણનીરે અજયનૃપનો કુષ્ટ રોગ દૂરે કર્યો, તત્કાળથી પારસ અજારા નામથી તુ અલંકર્યો, તો રક્તતનું પર રક્ત થઈ વિરક્તિ હું માણું સદા, ભવરોગહારિ નામ સાર્થક આપ દ્યો શિવસંપદા…..
૫૭. શ્રી દોકડીયા પાર્શ્વનાથ ભગવાન, પ્રભાસપાટણ : શ્રદ્ધેય ! નિષ્ઠા આપની અવિહડ હ્રદયમાં ધારતો, અહોનિશ પૂજારી આપનો નિજ જીવનચિંત નિવારતો, ચિંતાપૂરક તુજ ભક્તિ યોગે, પામતો નીત દોકડો, તીમહિ મને દ્યો પાર્શ્વ દોકડીયા કૃપાબળ ચોકડો…
૫૮. શ્રી ચોરવાડી પાર્શ્વનાથ ભગવાન, ચોરવાડ : દિલડુ ચાહે અવિરત નિવારક મોહતૃષ્ણા – તાપને, ચાતક મહે જ્યુ, મેઘ ત્યુ, પ્રભુ ચોરવાડી આપને, હે ચોરવાડનાં પાર્શ્વ કામુઆપ કીરપા એટલી, આત્મિક થવા દૈવત દીયો, જિમ પાપ મુજ જાવે ટળી….
૫૯. શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન, માંગરોળ : હે નાથ ! મૂરત આપ વૈરી મ્લેચ્છ નૃપતિ ખંડતો, ત્યારે તમારો પ્રગટ પરચો ભવિકને આનંદતો, તત્કાળ તવ સહુ અંગુલિ નવ પલ્લવિતતા ધારતી, મંગલપૂરા હૈ પાર્શ્વ નવપલ્લવ કરૂં પ્રણતિ તતિ…..
૬૦. શ્રી બરેજા પાર્શ્વનાથ ભગવાન, બરેજબંદર : સાગરતલેથી પ્રગટ થઈને દાસની રક્ષા કરી, તીર્થ બરેજા સ્વામ પારસ મૂરત તો મહિમાગરી, તિમહી પ્રભો, ભાવસાગરે બુડતા ઉગારોને મને, આશા ધરી એક જ ઉભો સેવક તમારા આંગણે…..
૬૧. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ ભગવાન, ભાણવડ : અમૃત ઝરે તુજ અંગથી તેથી અભિધા આપનું, અમૃતઝરા તુજને જપંતા સુખ મળે સોહામણું, હે ભાણવડ શુભ તીર્થ હ્રદયાંબુજ ધરી હ્રદયે તને, વંદન કરી વીતરાગતા પ્રાર્થું પ્રભો તારી કને….
૬૨. શ્રી સપ્તફણા પાર્શ્વનાથ ભગવાન, ભણસાલ : સપનું થયું સાકાર નૃપનું નાથ તુજને ધ્યાવતા, પૂજા કરી પ્રાર્થી તને શુભ સંતતિ ઝટ પાવતા, ભણશાલ ભાગ્ય વિકાશકારી પાર્શ્વ પરચ પૂરણા, હે સપ્તફણ પ્રણમું તને હો જીવજીવન સંભારણા…..
૬૩. શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાન, જામનગર : ભાગ્યોદયથી બનવા હું આયો જામનગરી ચૈત્યમાં, ભાભાભિધાની પાર્શ્વ જોતાં મન ગમી સંયમરમાં, પાવન થયો પરમેષ્ઠી પદ દાયક નિહાળી આપને, સત્કારું સેવ કરી કહું મુજ હર અનાદિ સ્વાપને….
૬૪. શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ ભગવાન, ભદ્રેશ્વરજી : વિજ્યા વિજય વિજયંકરી અધ્યાતમ સુખની આપણી, માભોમ જગડુશ્રેષ્ઠીની ભદ્રેશ્વરી તીરથમણી, હે કપિલકેવલી પ્રાણ પ્રાપિત પાર્શ્વ ભદ્રેશ્વર કરો, મુજપે કૃપા અબ રાગ દ્વેષને મોહનાં પડલો હરો…..
૬૫. શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાન, સુથરી : કલ્લોલતા ધૃતઘટ વિષે તુજને નિહાળી હે પ્રભો! કલ્લોલ કરતો સંઘ સ્થાપે નામ તુજ સાર્થક વિભો! વામેય ધૃતકલ્લોલ ઘટના આપની અચરિજ કરી, હે સુંથરી તીરથપતિ પ્રણતિ સ્વીકારો શિવકરી….
૬૬. શ્રી ભયભંજન પાર્શ્વનાથ ભગવાન, ભિન્નમાલ : જબ મ્લેચ્છ પાપી ભૂપ આશાતન કરે તુજ ગર્વથી, ભય ભાંજતો જય આલતો તબ સંઘને તુ સર્વથી, ભીનમાલભૂષણ પાર્શ્વ ભયભંજન ભજુ અવધારીને, ભય સપ્ત ટાળી લુપ્ત કર મુજ પાપ ભય પ્રગટાવીને…
૬૭. શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાન, નાકોડાજી : મેવાનગરમાં નાથ મોહે ભક્તને તું અહનિશિ, હે પાર્શ્વનાકોડા પ્રભાવ તુમારડો છે દશદિશિ, તુજ ભક્તનો પણ દાસ ભૈરવદેવ પરચા આલતો, થઈ રક્ત પ્રણમું નાથ તુજને પલપલે સંભારતો……
૬૮. શ્રી લોદ્રવા પાર્શ્વનાથ ભગવાન, લોદ્રવાજી : લોદ્રવપુરેશ અમૂલ્ય પારસનાથ તુ સીમા ધણી, શ્રદ્ધેય ! માનુ મૂરત તુજ અણમોલ સુખની આપણી, મહામોહનું મારણ કરંતી કાય શ્યામલ જગમગે, લોકોત્તરી, સૌંદર્યધારી વ્યાપી મારા રગરગે…..
૬૯. શ્રી સંકટહરણ પાર્શ્વનાથ ભગવાન, જેસલમેર : હે પાર્શ્વ ! જેસલમેર તીર્થ સ્વામ શ્યામ તનુધરા, સંસાર ને સંકટહરા સૌભાગ્યને સંપદકરા, શંકા તજી શ્રદ્ધાં ધરી સેવું તને સંકટહરા, સાર્થક ધરાવો નામ કીજે કામ મુજ ભદ્રંકરા….
૭૦. શ્રી કુંકુમરોલ પાર્શ્વનાથ ભગવાન, જાલોર : સોવનગિરિનાં શિખર ઉપર આશ્વસેની રાજતો, શ્રી પાર્શ્વ કુંકુમરોલ નામા ભક્તની ભીડ ભાંજતો, કુંકુમતિલક શિવનારીનુ તવ દર્શ પામ્યો આજ હું, તુજ સ્પર્શને શિવ સૌખ્ય પામ્યો નાથ આજે હુંબહું…..
૭૧. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ ભગવાન, નૂનગામ : આશા પૂરે નિજ ભક્તની અહોનિશ અણમોલા પ્રભુ, તેથી જ આશાપુરણ નામે સેવ કરતા સહુ વિભુ, હે નૂનતીરથ નાથ પારસ દ્રષ્ટિ કરજો મુજ ભણી, મુજ હ્રદયવાસી થઈ વિદારો વાસના મુજ ભવ તણી….
૭૨. શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન, જીરાવલાજી : જ્યારે પ્રતિષ્ઠા જિનપની જિનમંદીરે કરતાં ભવિ, તવ મંત્ર મૌલિક સિદ્ધિ હેતે ભીંત પર લખતા સવી, એવો પ્રચંડ પ્રભાવ પરચો જાણી તુજ જીરાવલા, શિવ હેત સેવું હું તને અબ તોડ મુજ ભવ અર્ગલા…..
૭૩. શ્રી સિરોડીઆ પાર્શ્વનાથ ભગવાન, સિરોડી : હે પાર્શ્વ સિરોડીક ! પ્રતિષ્ઠા આપની સંયમ કરી, સુરિપ્રેમ યોગે લાગી માયા તુમ તણી અંતર ધરી, મંડન સિરોડી તીર્થના છો મોહ માર નિવારણા, વંદન કરી વિનવું તને દ્યો દર્શ શિવના બારણા…..
૭૪. શ્રી હમીરપુરા પાર્શ્વનાથ ભગવાન, મીરપુર : હે હમ્મીરપુરા પાર્શ્વ જગ રખવાલ જગદીશ્વર તમે, છો મીરપુર તીર્થપતિ કરીયે નતિ તતિઓ અમે, માલિક અનાદિ મોહ પીરને મુજ થકી નિવાર તુ, એ ઉચ્ચ ઉપકારો વડે તો નામ ઝટ સાર્થક થતું…..
૭૫. શ્રી પોસલી પાર્શ્વનાથ ભગવાન, પોસાલીયા : પુણ્યોદયી વિમલપ્રભા ધારક નિહાળી પાર્શ્વને, શ્રી પોસલીનામી તીર્થપોસાલીયા ઉજાસને, શ્યામાંગ ! હે વામાંગજાત ! સ્વીકાર માંગ તુ માહરી, ભવરોગ હારો નાથ હું ભાવે ભજુ પાયે પરી…..
૭૬. શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ ભગવાન, કાછોલી : ગુપ્તેન્દ્રિય કચ્છપ સમા હે પાર્શ્વ કચ્છુલિકા નમુ, ભવવાસના કચ્છુ નિવારક આપના ધ્યાને રમુ, અર્બુદગિરિ તલહટ્ટી કાછોરી તીરથ અજવાળતા, ઉપાસતા ફરસે હ્રદય વર જ્ઞાન ઝાકઝમાળતા…..
૭૭. શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાન, બેડા : દાદા દયાળુ પાર્શ્વ માણી આજ તારા ઉંબરે, સદ્વાસ સુમન ગુલાબની હું ધન્યતા પામ્યો ખરે, જીવંતતા ધારક નિવારો નાથ શ્યામલ અંહને, કીરપા કરો મુજપે જરી ગુણ મ્હેકતું જીવન બને….
૭૮. શ્રી સેસલી પાર્શ્વનાથ ભગવાન, સેસલી : દોષો અશેષ નિવાર મારા રાખી તારા શરણમાં, લેવા અશેષ ગુણો હું આયો શેષલી તવ ચરણમાં, મીઠડી કિનારે મેં દીઠી મીઠડી તમરી મૂરતિ, સુસ્તી ટળી તુજથી વહી સંવેદના ને અભિરતિ…..
૭૯. શ્રી રાણકપુરા પાર્શ્વનાથ ભગવાન, રાણકપુરજી : જ્યાં સ્વપ્ન ધરણાશાતણું સાકાર થઈ શોભી રહ્યુ, ત્યા ધરણસેવિત પાર્શ્વજિન મંદિર હ્રદય લોભી રહ્યું, કમનીય કાળી કાય ધારી પાર્શ્વ હે રાણકપુરા, વંદન કરી શિવહેત સોપું આજ મુજ જીવનધુરા…..
૮૦. શ્રી સોગઠિયા પાર્શ્વનાથ ભગવાન, નાડલાઈ : પંચમગતિપ્રદ પંચફણનું છત્ર શિર ઉપર ધર્યું, હે પાર્શ્વ સોગઠીયા નિહાળી આપને દિલડું ઠર્યું, જેખલગિરિ હ્રદયે વસ્યા છો નાડલાઈ નાથજી, આત્મૈક સિદ્ધિ પામવા કાંક્ષા પ્રભો ! તુજને ભજી…..
૮૧. શ્રી વરકાણા પાર્શ્વનાથ ભગવાન, વરકાણા : જે બાવનાચંદન સમા શીતલ જિનાલય બાવને, બેસી કહે ભવથી ઉગરવા આવજો મારી કને, તે વરકનકપુરનાથ શ્રીવરકાણ પારસ પૂજતા, જગનાથ જોડી હાથ નમતાં પાપ પડલો ધ્રુજતા…..
૮૨. શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાન, પાલી : તુજ નામનું ઔષધ ધરી શ્રદ્ધાં સદા જપતી કરે, વૃદ્ધાં તણા સંકટ ટળે સંપદ મળે કારજ સરે, નવલક્ષ દ્ર્વ્ય લગાવી અનુપમ ચૈત્ય તવ નિરમાપતી, પાલીભૂષણ હે પાર્શ્વ નવલખ તો મૂરત મન ભાવતી…..
૮૩. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન, કાપરડાજી : કામિત કરી પ્રગટી સ્વયંભૂ પાર્શ્વ મૂરત આપની, પરચાપૂરક છે નીલવર્ણ સુપર્ણસમ લલચામણી, રઢ લાગી તારી કર્મ બબ્બુલ કંટકો હરવા ઘણી, ડારો પ્રભુ મુજ દોષ ટાળો તીર્થ કાપરડા ધણી…….
૮૪. શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાન, મેડતારોડ : નિશિએ અધિષ્ઠાયક સદા થઈ અશ્વવાહી આવતા, તીર્થપ તમારા મંદિરે તવ દાસને હરખાવતા, પરચાપૂરક ફલવૃદ્ધિ પારસ મેડતા તીર્થપતિ, દેજો મને ફલવૃદ્ધિકારી ભક્તિ – શક્તિ – અભિરતિ……
૮૫. શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, મેડતાસીટી : હે વિજયચિંતામણી પ્રભો છો નામથી કામણકરા, વિજયંકરા જાણી લીધા, મેં આપના શુભ આશરા, મેડતપુરે તુજ ભક્તિયોગે મોહ સામે જે લડે, આનંદઘન પારસ પ્રભાવે કર્મ તેના તરફડે….
૮૬. શ્રી મંડોવરા પાર્શ્વનાથ ભગવાન, મુંડવાતીર્થ : સપનું થયું સાકાર પામી દાસ તવ તુજમાં રમે, તારા પ્રતાપે ધાન જવ કંચનસ્વરૂપે પરિણમે, મંડન મરૂધરંના મહોદયકાર હે મંડોવરા, શ્રી પાર્શ્વ મુંડેવાઘણી હો મોહનાં મુંડનકરા….
૮૭. શ્રી કરેડા પાર્શ્વનાથ ભગવાન, ભોપાલસાગર : કરજો કૃપા કરહેટ પારસ જિમ કરી ઝાંઝણ પ્રતિ, લઈ સંઘ યાત્રા આવતો મન ભાવતી તુજશુ રતિ, તવ ચૈત્ય તીર્થોદ્વાર યોગે ઉદ્ધરે નિજ આતમા, હુ પણ કરૂં તવ ભક્તિ કર પાવન મને પરમાતમા….
૮૮. શ્રી વહી પાર્શ્વનાથ ભગવાન, વહીતીર્થ : સ્થાપ્યા પદે નિજ રાગદ્વેષનાં વ્યાઘ્રનો નિગ્રહ કરી, ભવભ્રમણ વારક આકૃત્તિ તવ શિલ્પની વિસ્મય કરી, અધ્યાત્મ ઉર્મિ, હ્રદય ઉભરી નિરખતા પારસ વહી, હે વહી તીર્થનાં સ્વામી સ્થાપો શીઘ્ર મુજને શિવમહિ…..
૮૯. શ્રી સમીના પાર્શ્વનાથ ભગવાન, સમીનાખેડા : હે પાર્શ્વ સમીના પૂર અમીના તુજ નયનથી વહી રહ્યાં, સંતાપ ટાળી શૈત્યદાયી આપના શરણા ગ્રહ્યાં, શ્રીતીર્થ સમીનાખેડધામી હેત દઈ હિતકારણા, શ્યામાંગ ! નવફણયુક્ત નમતાં નિત્ય સુખ રળીયામણા…..
૯૦. શ્રી ચંદા પાર્શ્વનાથ ભગવાન, ઉદયપુર : જે નિત્ય અવિરત પુનમ શશીની ચાંદની ફેલાવતી, સંતાપને સહુ તાપ ટાળી ભવિક મન મલકાવતી, આત્માતણો ઉદયંકરી પૂર હર્ષનાં ઉભરાવતી, તે પાર્શ્વ ચંદા મૂરત નમતાં હું વર્યો, ટાઢક અતિ……
૯૧. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન, નાગેશ્વરજી : છો નાગની નવ ફેણ ધારી, હાથ નવ ઉંચા વળી, નાગેશ્વરા, પારસ નમું હું, આપ ચરણો લળી લળી, મર્કટ સમું મન સ્થિર થયું, પ્રભુ મૂરત જોતાં આપની, મરકતમણીમય પુનીત મુદ્રા પીર હરો ભવતાપની….
૯૨. શ્રી રાવણ પાર્શ્વનાથ ભગવાન, અલવર : નિત જિન પૂજનની ટેક હેતે નેહથી તવા મૂરતનું, નિર્માણ કરતો રાય રાવણ અર્ચતો મણિમય તનું, તે રાવણા રળીયામણા પારસ મળ્યા બહુ પુણ્યથી, અલવરપતિ પૂજ્યો પ્રજાળો પાપ મારા મન્મથી…..
૯૩. શ્રી કલ્પ્દ્રુમ પાર્શ્વનાથ ભગવાન, મથુરા : હે પાર્શ્વ ! તારા નામથી પણ સંકટો સહેજે ટળે, કલ્પિત અને વણકલ્પી પણ શિવસંપદા સહુને મળે, છો કલ્પદ્રુમ સમા તમે અભિધાન સાર્થક તાહરૂ, મથુરાપતિ ટાળી અઢારે નાતરા દ્યો સુખ ખરૂં……
૯૪. શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ ભગવાન, કૂકડેશ્વર : નિજ પૂર્વ ભવ સંભારતો કુર્કુટ અને ઈશ્વરતણો, મૂરતિ ભરાવી ગાવતો નૃપ દત્ત ઉપકારો ઘણો, શ્રી દત્ત શિવદાતા બનો ઈમ પ્રાર્થતો પૂજન કરે, હે પાર્શ્વ ! કુકડેશ્વર ! ભવિ તવ દર્શને ભવજલ તરે……
૯૫. શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ ભગવાન, ઉન્હેલ : કામિતપૂરણ પારસથકી સહુ કામના પૂરણ થતી, ઉન્હેલતીર્થ સેવતા પુણ્યાઈ સહુવિધ ઉભરતી, અબ એક મારી કામના મુજ કામ ઝટપટ ટાળીયે, સ્વામી બનાવી દાસ મુજને નેક નજરે ભાળીયે…..
૯૬. શ્રી અવંતી પાર્શ્વનાથ ભગવાન, ઉજ્જૈન : ગજસિંહ – સંપ્રતિ – વીરવિક્રમ- માણિભદ્ર જિહાં થયા, ઉજ્જૈનની તે અવનિમાં પારસપ્રભુ શોભી રહ્યાં, નામે અવંતી સમરતા, સુકુમાળતા દિલડુ વરે, ભદ્રકપણે પ્રભુ ભેટતાં આતમતણા કારજ સરે…..
૯૭. શ્રી અલૌકિક પાર્શ્વનાથ ભગવાન, હાસામપુરા : મુદ્રા અલૌકિક નાથની તેથી અલૌકિક નામના, પારસ પૂજા પ્રત્યુષ કરતાં હોય સહુ હિત કામના, કંદર્પ- દર્પ સમા નિહાળ્યા નાગ – નાગણી લંછને, નિગ્રહ કરી તીર્થપ હવે સૌ દોષથી રક્ષો મને…..
૯૮. શ્રી મક્ષી પાર્શ્વનાથ ભગવાન, મક્ષીજી : જસ નામ મક્ષી તીર્થસ્વામી મોહનીંદ ભગાડતી, સૌ કામ હરતી શ્યામપડિમા આત્મારામ જગાડતી, નિર્મલ થયા મુજ નેણ નિરખી પાર્શ્વચંદન બાવના, સેવા થકી શીતલ થયુ મુજ હ્રદય અવિચલ ભાવના……
૯૯. શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ભગવાન, નગપુરા : શિવનાથ સરિતા ભોમથી દૂધધાર સંયુત પ્રગટતા, છો ચિત્તના ચમકારકારી દેખી ભવિજન હરખતા, નિર્માણ કરતો નૃપપ્રદેશી કેશી ઉપદેશે તને, હે નગપુરાનાં પાર્શ્વ સહુ ઉપસર્ગહર શિવ દ્યો મને…..
૧૦૦. શ્રી વારાણસી પાર્શ્વનાથ ભગવાન, બનારસ : સુરલોક પ્રાણતથી ચ્યવન વામા કુખેથી જનમીયા, વારાણસીમાં ત્રિશત સહ થઈ સંયમી જ્ઞાની થયા, ચિહુગતિ નિવારક ચાર કલ્યાણક ભૂમિને સ્પર્શતા, વારાણસી પ્રભુ પાર્શ્વ પ્રગતિકારી અહોનિશ પ્રણમતા….
૧૦૧. શ્રી સમેત શિખર પાર્શ્વનાથ ભગવાન, મધુવન : અણસણ કરી એક માસનું પ્રભુ શૈલ સમ્મેતે રહ્યાં, તેત્રીશા મુનિ સંઘાત સઘળા કર્મ ઈન્ધનને દહ્યાં, સિદ્ધિ વર્યા શ્રાવણ સુદી આઠમ દિને પારસ તમે, સમ્મેતશિખરાભિધ તીર્થપ તુજ ચરણ ચિત્તે રમે…..
૧૦૨. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન, સીરપુર : છો પ્રાણ ખરદૂષણ તણા ભાવે ભરાવ્યા આપને, અદ્ધર રહ્યાં આકાશમાં હે અંતરીક્ષ નમુ તને, મોહાંધતા નાશક ધરી આશા હું આયો આંગણે, હે પાર્શ્વ શિરપુરનાં તિમિર ટાળી પ્રકાશ દીયો મને…..
૧૦૩. શ્રી કેસરીયા પાર્શ્વનાથ ભગવાન, ભાંડકજી : છે કેશરી પડિમા તમારી પાર્શ્વ કેશરીયા પ્રભુ, ભદ્રાવતીના ભવ્ય ભાગ્યે આપ પ્રગટ્યા છો વિભુ, સાર્થક અભિધ છો સ્વપ્નદેવા સેવ ચાહુ આપની, વીતરાગતા આપો મને મુજ દોષ સઘળા અવગણી……
૧૦૪. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન, કુંભોજગિરિ : હે અમીત સુખદાતાર તારી અમી ભરેલી આંખડી, કરતી શીતલ મુજ નયનને જાણે કમળની પાંખડી, વાત્સલ્ય લહેરી અનુભવી તુજ યોગ પામી આજ મેં, હે પાર્શ્વ જગવલ્લભ હવે મુજ ચિત્તડું તુજમાં રમે…
૧૦૫. શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ ભગવાન, અમલનેર : શ્રી પાર્શ્વ ગીરુવા કર્મવીરૂવા ટાળનારા આપ છો, ગીરૂવા બનાવી ભકતને શિવ સ્થાપનારા આપ છો, મુજ મોહ અમલ નિવારી અમૃતકાર સ્વામ સુહંકરા, નિર્મલ કરો મુજને અમલનેરી પ્રભો જગદીશ્વરા…..
૧૦૬. શ્રી મનોવાંછિત પાર્શ્વનાથ ભગવાન, નેર : નિજ ભકતની કરતી કસોટી, રત્નનિર્મિત મૂરતિ, પણ ભક્તિ કરતાં આપની સ્ફૂર્તિ વરે સૌ અવિરતિ, તુ કલ્પવેલી પામતાં ચિંતા ટળી પામ્યો સુધી, હે નેરતીર્થપ પાર્શ્વ મનવાંછિત મળો મોક્ષાવધિ….
૧૦૭. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન, નાસિક: ચિંતા ટળી મુજ ચિત્તની પામી તને ચિંતામણી, હે પાર્શ્વ ! નીલવરણ તમારી મૂરત મન લોભામણી, નાસિક પુરેશ્વર નેહ કરતાં નેત્ર મુજ પાવન થયા, સીતાપૂજિત તુજ યોગ ચાહુ પુણ્યને ગુણ ઉપચયા…..
૧૦૮. શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન, મુંબઈ : મોહાંધતા નાશક પ્રભુ છો સ્વામ મોહમયીતણા, તારા પ્રતાપે મોહમયીના ભવિક સૌ સુખીયા ઘણા, હું પણ ધરી વિશ્વાસ તારે દ્વાર દોડી આવીયો, હે પાર્શ્વ ગોડી ! આત્મશુદ્ધિ હેત તુ મન ભાવીયો…..
Excellent post .
Excellent Video!!!!
Thanks for the post.Found immense peace.
108 parasnath bhagwan name in hindi
jaijinendra
pranan
i love my relagians
I wanted to know the screws of 108 parswanath temple in india
I LIKE IT BECAUSE I WANTED TO SEE ALL 108 THIRTH STHAN. MY WIFE DID THE 11 UPVASH SHE ASK ME CAN YOU TAKE ME TO INDIA I ONELY WANT TO SEE THIS ALL TIRTH AND DO THE PUJA IF ANY ONE TALE ME HOW I CAN SEE AND ONE BY ONE NAVIGET ME AND HOW LONG TAKE TO DO THIS JATRA. THANK YOU
RUPESH AND BIJAL SHAH
Respected Sir,
This is Hemant Shah from Dhota-Saklana.
You have mention Dosla Parshwanath In Your Web
BUT
The Real Name Is
‘DOHLA PARSHWANATH’
The Meaning Of DOHLA Is Not Easy To Get
So Please Make Correction Of The Name And Photo In Your Website.
I Also Attached The Latest Photo Of Shri Dohla Parshwnath Bhagvan With Parikar
If Possible Please Reply.
Dhota-Saklana Shwetambar MurtiPujak Jain Sangh.
Post. Dhota