જૈન ભાઈ – બહેનો પર્યુષણ દરમિયાન વિશેષ તપ કરતાં હોય છે. પારણાં કર્યા પછી સ્વાસ્થ્ય જાળવવું અઘરું છે. યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
પાંચ દિવસનો ‘આહાર – પ્લાન’ રજૂ કરેલ છે. આ પ્લાનને અનુસરશો તો સ્વાસ્થ્ય પહેલાં હતું એના કરતાં પણ સારું થશે અથવા રહેશે. આઠ દિવસના ઉપવાસ કરનારે આઠ અને એ જ રીતે એક માસના ઉપવાસ કરનારે એક માસ સુધી ઉકાળેલું પાણી પીવું તેમજ સૂર્યાસ્ત પહેલાં જમી લેવું.
પાંચ દિવસનો ‘આહાર – પ્લાન’ આ પ્રમાણે છે.
પ્રથમ દિવસ:
સૌથી પહેલાં ‘કેરડાં’ નું પાણી અડધો કપ, એક કલાક પછી બાફેલા મગનું પાણી એક કપ ત્યારબાદ બપોરે અને સાંજે મગનું પાણી લેવું. ત્રણથી આઠ ઉપવાસ કર્યા હોય તેઓ મગ, મગનું પાણી, તજ, લવિંગ, ઈલાચયી અને સાકર નાખેલ લીંબુનું શરબત તેમજ સૂંઠ, ગંઠોડા, ગોળ અને ઘીની લાડુલી અનુકૂળતા મુજબ લઈ શકે છે.
બીજો દિવસ:
બાફેલા મગ, મગનું પાણી, ચોખાની રાબ, જીરું, બલવણ તેમજ મરી નાખીને દિવસમાં બે વખત લેવું. લીંબુનું શરબત, સવારે એક ખાખરો, ચા અથવા દૂધ. બપોરે દાળ – ભાત, સાંજે મગની ફોતરાવાળી દાળની ખીચડી લેવી.
ત્રીજો દિવસ:
સવારે મગ, મગનું પાણી, ખાખરા, ચા અથવા દૂધ. બપોરે ગરમ રોટલી એક અથવા બે પરવળનું શાક દાળ – ભાત સાંજે ખીચડી સાથે દૂધીનું તાજું બનાવેલું શાક લેવું.
ચોથા દિવસઃ
સવારે મગ, મગનું પાણી, ખાખરા, ચા અથવા દૂધ. બપોરે ગરમ રોટલી બે થી ત્રણ પરળવનું શાક, દાળ – ભાત, સાંજે ખીચડી સાથે દૂધનું શાક અથવા થોડું દૂધ લેવું.
પાંચમો દિવસ:
સવારે મગ, મગનું પાણી, ખાખરા, ચા, દૂધ, લીંબુનું શરબત, સૂંઠ – ગંઠોડાની લાડુડી, ફળોમાં પપૈયુ, દાડમ તેમજ મોસંબી વગેરે અનુકૂળતા મુજબ લેવાં. (જ્યુસ ન પીવો) સોળ ઉપવાસથી વધારે તપ કરનારે મોટે ભાગે મગ, મગનું પાણી, ખાખરા, ચા, દૂધ, દાળ – ભાત, ખીચડી લેવા. મગ જબરજસ્ત શક્તિશાળી છે. તમે ધારો તેટલા દિવસ માત્ર મગ પર રહી શકો છો. આહાર – પ્લાનને અનુસરશો તો કોઈ વાંધો નહીં આવે.
-ગુજરાત સમાચાર