પરમાત્માની ત્રણ પ્રદક્ષિણામાં બોલવાના દુહા
કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહીં પાર,
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર;
ભમતિમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય,
દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય.
જન્મ મરણાદિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ,
રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ;
જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત,
જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્વ સંકેત.
ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ,
ચારિત્ર નામ નિર્યુક્તે કહ્યું, વંદો તે ગુણ ગેહ;
દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર,
ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજણહાર.
પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાના દુહા
૧) જળ પૂજા
માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
જળ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ;
જળ પૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા
દૂઘનો (પંચામૃતનો) પ્રક્ષાલ કરતી વખતે બોલવાનો દુહો
મેરૂશિખર નવરાવે હો સુરપતિ, મેરૂશિખર નવરાવે;
જન્મકાળ જિનવરજીકો જાણી, પંચરૂપ કરી આવે. હો સુર… (૧)
રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે;
ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો સુર… (૨)
એણી પરે જિન પ્રતિમાકો ન્હવણ કરી, બોધિબીજ માનું વાવે;
અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સુર… (૩)
જળનો (પાણીનો) પ્રક્ષાલ કરતી વખતે બોલવાનો દુહો
જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર;
શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર.
૨) ચંદન પૂજા
માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ;
આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા
નવ અંગની પૂજાના દુહા
અંગૂઠે જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત.
ઢીંચણે જાનુ બળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ.
કાંડે લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસીદાન; કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન.
ખભે માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત; ભુજા બલે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત.
મસ્તકે સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂજંત.
કપાળે તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત.
કંઠે સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ; મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ.
હૃદયે હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ; હિમ દહે વન ખંડને, હૃદય તિલક સંતોષ.
નાભિએ રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ; નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ.
ઉપસંહાર ઉપદેશક નવ તત્વના, તિણે નવ અંગ જિણંદ; પૂજો બહુવિધ રાગથી, કહે શુભવીર મુણીંદ.
3) પુષ્પ પૂજા
માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગત સંતાપ;
સુમ જંતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પં યજામહે સ્વાહા
પુષ્પપૂજા કરતી વખતે બોલવાનો દુહો
પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર;
રાજા કુમારપાળનો, વર્ત્યો જય જયકાર!
૪) ધૂપ પૂજા
માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ;
મિચ્છત્ત દુર્ગંધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા
ધૂપ પૂજા કરતી વખતે બોલવાનો દુહો
અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ! અમે ધૂપઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ! નહીં કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ! અંતે છે શરણ તમારૂં રે, ઓ મન માન્યા મોહનજી.પ્રભુ! અમે ધ્યાનઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી,પ્રભુ! અમે દુર્ગંધ અનાદિની હરિએ રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ! તુમ દર્શન લાગે પ્યારું રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ! અંતે છે શરણ તમારૂં રે, ઓ મન માન્યા મોહનજી.
૫) દીપક પૂજા
માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક;
ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા
દિપક પૂજા કરતી વખતે બોલવાનો દુહો
શ્રધ્ધા ના દિવડાને જલતો તું રાખજે, નિશદિન સ્નેહકેરૂં તેલ એમાં પૂરજે, મનના મંદિરે જોજે અંધારું થાયના, ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાયના.
૬) અક્ષત પૂજા
માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ;
પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા
સાથિયો કરતી વખતે બોલવાના દુહા
અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરૂં અવતાર;
ફળ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. (૧)
સાંસારિક ફલ માંગીને, રઝળ્યો બહુ સંસાર;
અષ્ટ કર્મ નિવારવા, માંગું મોક્ષફળ સાર. (૨)
ચિહુંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ;
પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિહું કાળ. (૩)
ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે બોલવાના દુહા
દર્શન-જ્ઞાન-ચારિત્રનાં, આરાધનથી સાર;
સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.
૭) નૈવેદ્ય પૂજા
માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
અણાહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈય અનંત;
દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યં યજામહે સ્વાહા
૮) ફળ પૂજા
માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
ઇંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ;
પૂરૂષોત્તમ પૂજી કરી, માંગે શિવફળ ત્યાગ.
ૐ હ્રીઁ શ્રીઁ પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા
ચામર પૂજા
બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ્ર ઉલાળે,
જઈ મેરૂ ધરી ઉત્સંગે, ઇંદ્ર ચોસઠ મળીયા રંગે,
પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા.
દર્પણ પૂજા
પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ;
આત્મ દર્પણથી જુએ, દર્શન હોય તત્કાલ.
પંખા પૂજા
અગ્નિ કોણે એક યૌવના રે, રયણમય પંખો હાથ;
ચલત શિબિકા ગાવતી રે, સર્વ સહેલી સાથ,
નમો નિત્ય નાથજી રે, નમો નિત્ય નાથજી રે
ચોવીસ ભગવાનની સ્તુતિ
ઋષભ અજીત ને સંભવનાથ,
અભિનંદનને કરૂં પ્રણામ;
સુમતિ પદ્મ સુપાર્શ્વ જિન,
ચન્દ્રપ્રભ રહે ધ્યાનમાં લીન;
સુવિધિ શીતલ ને શ્રેયાંસરાય,
વાસુપૂજ્યને લાગું પાય;
વિમલ અનંત ને ધર્મનાથ,
ભવપાર તારે શાંતિનાથ;
કુંથુ અર અને મલ્લિજીન,
મુનિસુવ્રત જિન જપું નિશદિન;
નમિ નેમિ ને પારસનાથ,
વીર પ્રભુ મારો પકડો હાથ.
વધાઈ
દીનાનાથની વધાઈ બાજે છે,
મારા નાથની વધાઈ બાજે છે,
શરણાઈ સૂર નોબત બાજે,
ઘોર ઘનન ઘન ગાજે છે, (૨)મારા…
ઇન્દ્રાણી મિલ મંગલ ગાવે,
મોતીયન ચૌક પુરાવે છે, (૨)મારા…
સેવક પ્રભુજીશું અરજ કરે છે,
ચરણોની સેવા પ્યારી લાગે છે, (૨)મારા…
આરતી
જય જય આરતી આદિ જિણંદા;
નાભિરાયા મરૂદેવીકો નંદા. જય…
પહેલી આરતી પૂજા કીજે,
નરભવ પામીને લ્હાવો લીજે. જય…
દૂસરી આરતી દીન દયાળા,
ધુળેવા મંડપમાં જગ અજવાળા. જય…
તીસરી આરતી ત્રિભુવન દેવા,
સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા. જય…
ચોથી આરતી ચઉગતિ ચૂરે,
મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય…
પંચમી આરતી પુણ્ય ઉપાયા,
મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય…
મંગળ દીવો
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો;
આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દીવો…
સોહામણું ઘેર પર્વ દીવાળી,
અંબર ખેલે અમરા બાળી. દીવો…
દીપાળ ભણે એણે કુળ અજવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી. દીવો…
દીપાળ ભણે એણે એ કલિકાળે,
આરતી ઉતારી રાજા કુમારપાળે. દીવો…
અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક,
મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો…
સરસ્વતીદેવીની આરતી
જય જય આરતી દેવી તમારી,
આશા પૂરો હે માત અમારી. જય જય…
વીણા પુસ્તક કર ધરનારી,
અમને આપો બુધ્ધિ સારી. જય જય…
જ્ઞાન અનંત હૃદય ધરનારી,
તમને વંદે સહુ નરનારી. જય જય…
માત સરસ્વતી આરતી તમારી,
કરતાં જગમાં જય જયકારી. જય જય…
પદ્માવતીદેવીની આરતી
દેવી પદ્માવતી આરતી તુમારી,
મંગલકારી જય જય કારી.
પાર્શ્વ પ્રભુ છે શીર પર તાહરે,
ભક્તિ કરતાં તું ભક્તોને તારે. દેવી…
ઉજ્જવલવર્ણી મૂર્તિ શું સોહે,
નીરખી હરખી સહુ જન મોહે. દેવી…
વિવિધ સ્વરૂપે ભિન્ન ભિન્ન નામે,
જગ પૂજે સહુ સિદ્ધિ કામે. દેવી…
શીઘ્રફલા તું સંકટ ટાળે,
વિઘ્ન વિદારે વાંચ્છિત આલે. દેવી…
ધરણેન્દ્ર દેવના દેવી છો ન્યારા,
પાર્શ્વ ભક્તોના દુઃખ હરનારા. દેવી…
મેલબર્ન નગરે પાર્શ્વનાથ શિખરે,
દર્શન કરતાં દુઃખ સહુ વિસરે. દેવી…
ધર્મ પ્રતાપે આશિષ દેજો,
સકલસંઘને મંગલ કરજો. દેવી…
દેરાસરની બહાર નિકળતા પહેલાની સ્તુતિ
પ્રાર્થના
કોઈ પણ આરતી/મંગળદીવો પહેલા માત્ર ભાઇઓએ જ બોલવું – નમોઽર્હત્-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ
મિચ્છા મિ દુક્કડં